YouVersion Logo
Search Icon

ઉત્પત્તિ 1

1
દુનિયાનો આરંભ
1આરંભમાં દેવે આકાશ અને પૃથ્વીનું સર્જન કર્યું. 2પૃથ્વી ખાલી અને અસ્તવ્યસ્ત હતી. જમીન પર કશું જ ન હતું. સમુદ્ર પર અંધકાર છવાયેલો હતો અને દેવનો આત્માં પાણી પર હાલતો હતો.
પહેલો દિવસ-પ્રકાશ
3ત્યારે દેવે કહ્યું, “પ્રકાશ પ્રગટો” અને પ્રકાશ પ્રગટયો. 4દેવે પ્રકાશને જોયો અને તેમણે જાણ્યું કે, તે સારું છે. ત્યારે દેવે પ્રકાશને અંધકારથી જુદો પાડયો. 5દેવે પ્રકાશનું નામ “દિવસ” અને અંધકારનું નામ “રાત” રાખ્યું.
સાંજ પડી અને પછી સવાર થઇ તે પહેલો દિવસ હતો.
બીજો દિવસ-આકાશ
6પછી દેવે કહ્યું, “પાણીને બે ભાગમાં જુદું પાડવા માંટે વચ્ચે અંતરિક્ષ થાઓ.” 7એટલે દેવે અંતરિક્ષ બનાવ્યું અને પાણીને જુદું પાડયું. કેટલુંક પાણી અંતરિક્ષની ઉપર હતું અને કેટલુંક પાણી અંતરિક્ષની નીચે હતું. 8દેવે અંતરિક્ષને “આકાશ” કહ્યું. પછી સાંજ પડી અને સવાર થઇ તે બીજો દિવસ હતો.
ત્રીજો દિવસ-સૂકી ધરતી અને વનસ્પતિ સૃષ્ટિ
9પછી દેવે કહ્યું, “પૃથ્વી પરનું પાણી એક જગ્યાએ ભેગું થાઓ જેથી સૂકી જમીન નજરે પડે.” અને એ જ પ્રમાંણે થયું. 10દેવે સૂકી જમીનને “પૃથ્વી” કહી અને જે પાણી ભેગું થયેલું હતું તે પાણીને “સાગર” કહ્યો. દેવે જોયું કે, તે સારું છે.
11પછી દેવે કહ્યું, “પૃથ્વી વનસ્પતિ પેદા કરો: અનાજ આપનાર છોડ અને ફળ આપનાર વૃક્ષો પેદા કરો. પ્રત્યેકમાં પોતપોતાની જાતનાં બીજ થાઓ. આ પ્રકારના છોડ પૃથ્વી પર પેદા થાઓ.” અને એ પ્રમાંણે થયું. 12પૃથ્વીએ અનાજ ઉત્પન્ન કરનાર ઘાસ અને છોડ ઉગાડયા અને એવાં વૃક્ષો અને છોડ ઉગાડયાં જેનાં ફળોની અંદર બીજ હોય છે. પ્રત્યેક છોડવાએ પોતપોતાની જાતનાં બીજ પેદા કર્યા અને દેવે જોયું કે, તે સારું છે.
13પછી સાંજ પડી અને સવાર થઇ તે ત્રીજો દિવસ હતો.
ચોથો દિવસ-સૂર્ય, ચંદ્ર અને તારા
14પછી દેવે કહ્યું, “આકાશમાં જયોતિઓ થાઓ. આ જયોતિઓ દિવસોને રાતોથી જુદા પાડશે. આ જયોતિઓનો વિશેષ ચિહનોરૂપે ઉપયોગ થશે. અને વિશેષ સભાઓ જ્યારે શરુ થશે તે દર્શાવશે અને તેનો ઉપયોગ ઋતુઓ, દિવસો અને વર્ષોનો સમય નિશ્ચિત કરવામાં થશે. 15અને તેઓ પૃથ્વી પર પ્રકાશ પાથરવા માંટે આકાશમાં સ્થિર થાઓ.” અને એમ જ થયું.
16પછી દેવે બે મોટી જયોતિઓ બનાવી. દેવે તેમાંની મોટી જયોતિને દિવસ પર અમલ કરવા બનાવી અને નાની જયોતિને રાત પર અમલ કરવા બનાવી. દેવે તારાઓ પણ બનાવ્યા. 17દેવે આ જયોતિઓને આકાશમાં એટલા માંટે રાખી કે, તે પૃથ્વી પર ચમકે. 18દેવે આ જયોતિઓને આકાશમાં એટલાં માંટે રાખી કે, જેથી તે દિવસ અને રાત પર અમલ ચલાવે. આ જયોતિઓએ પ્રકાશને અંધકારથી જુદો પાડયો અને દેવે જોયું કે, આ સારું છે.
19ત્યારે સાંજ થઈને સવાર થઇ. તે ચોથો દિવસ હતો.
પાંચમો દિવસ-માંછલીઓ અને પક્ષીઓ
20પછી દેવે કહ્યું, “પાણી અનેક જળચરોથી ઊભરાઈ જાઓ અને પક્ષીઓ પૃથ્વી પર અને આકાશમાં ઊડો.” 21એથી દેવે સમુદ્રમાં રાક્ષસી જળચર પ્રાણી બનાવ્યાં. દેવે સમુદ્રમાં રહેનાર બધાં સજીવ પ્રાણીઓ બનાવ્યાં. સમુદ્રમાં જુદી જુદી જાતિનાં જીવજંતુ હોય છે. દેવે આ બધાંની સૃષ્ટિ રચી. દેવે આકાશમાં ઉડનારાં દરેક જાતનાં પક્ષીઓ પણ બનાવ્યાં. દેવે જોયું કે, આ સારું છે.
22પછી દેવે તે પ્રાણીઓને આશીર્વાદ આપ્યા. અને કહ્યું, “જાઓ, ઘણાં બધાં બચ્ચાં પેદા કરો અને સાગરનાં પાણીને ભરી દો. અને પક્ષીઓ પણ બહુ જ વધી જાઓ.”
23પછી સાંજ થઇ અને સવાર થઇ. તે પાંચમો દિવસ હતો.
છઠ્ઠો દિવસ-ભૂચર જીવજંતુ અને મનુષ્ય
24પછી દેવે કહ્યું, “પૃથ્વી બધી જાતનાં પ્રાણીઓ પેદા કરો: ‘પ્રત્યેક જાતનાં ઢોર, પેટે ચાલનારાં પ્રાણીઓ અને મોટાં જંગલી પ્રાણીઓ.’ અને આ પ્રાણીઓ પોતપોતાની જાતિ પ્રમાંણે વધારે પ્રાણીઓ ઉત્પન્ન કરે.” અને આ બધું થયું.
25તે પછી દેવે પ્રત્યેક જાતિનાં પ્રાણીઓ બનાવ્યાં. દેવે જંગલી પ્રાણીઓ, પાળી શકાય તેવાં પ્રાણીઓ, અને પેટે ચાલનારાં પ્રાણીઓ બનાવ્યાં અને દેવે જોયું કે, આ સારું છે.
26પછી દેવે કહ્યું, “હવે આપણે મનુષ્ય બનાવીએ, જે આપણી પ્રતિમાંરૂપ અને આપણને મળતો આવતો હોય; જે સમુદ્રમાંનાં માંછલાં પર, અને આકાશમાંનાં પક્ષીઓ પર શાસન કરે. તે પૃથ્વીનાં બધાં પ્રાણીઓ અને નાનાં પેટે ચાલનારાં જીવો પર શાસન કરે.”
27આથી દેવે પોતાની પ્રતિમાંરૂપ મનુષ્ય પેદા કર્યો. તેણે માંણસો એટલે સ્ત્રી અને પુરુષ બનાવ્યાં. 28દેવે તેઓને આશીર્વાદ આપ્યા. દેવે તેઓને કહ્યું, “ઘણાં સંતાનો પ્રાપ્ત કરો, પૃથ્વીને ભરી દો અને તેનું નિયંત્રણ કરો. સાગરનાં માંછલાં પર અને આકાશના પક્ષીઓ પર શાસન કરો. પૃથ્વી પરનાં પ્રત્યેક જીવ પર શાસન કરો.”
29દેવે કહ્યું, “જુઓ, મેં તમને જમીનમાં ઊગનારાં, બધી જ જાતનાં અનાજ પેદા કરનારા છોડ અને પ્રત્યેક જાતનાં બીવાળા ફળનાં વૃક્ષો આપ્યાં છે: એ તમને સૌને ખાવાના કામમાં આવશે. 30પૃથ્વી પરનાં પ્રત્યેક પ્રાણીને અને આકાશમાંના પ્રત્યેક પક્ષીને તથા પૃથ્વી પર પેટે ચાલનારાં પ્રત્યેક જીવને ખાવા માંટે મેં લીલું ઘાસ અને છોડ આપ્યા છે.” અને એમ જ થયું.
31દેવે પોતાના દ્વારા તૈયાર થયેલી પ્રત્યેક વસ્તુઓ જોઈ અને દેવે જોયું કે, પ્રત્યેક વસ્તુ ઘણી જ સારી છે.
સાંજ પડી અને સવાર થઇ, તે છઠ્ઠો દિવસ હતો.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy